Life · Uncategorized

RGV પૂછે છે તમે જીવો છો શા માટે ?

સોમવારની સાંજ છે. મંતરાવીને થાક્યાપાક્યા ઘરે આવીને પછી મોબાઈલ મંતરાય છે. અણગમતો સોમવાર. વિકેન્ડના આરામ પછી ન ગમતું કામ કરવા ફરી જોતરાઈ જવાનો દિવસ. સવારે ઉઠવાનું અલાર્મ વાગવા સાથે સોમવારનો દિવસ વણલખ્યું રિમાઈન્ડર આપ્યા કરે છે-‘શું તમને તમારું કામ ગમે છે?’  આ મૂળ સવાલથી ભાગવા કેટકેટલા નકામાં અને ક્ષુલ્લક સવાલોમાં મનને ઉલઝાવીને આપણે રાખીએ છીએ! તો ય આ સવાલ અહીં મારા થ્રુ રામ ગોપાલ વર્મા પૂછવા આવ્યો છે!

રામ ગોપાલ વર્મા નામ સાંભળતા જ હાલની જનરેશન અને જૂની જનરેશન પણ નાકનું ટીચકું ચઢાવીને હસી કાઢે છે. હાલની એની બધી રીતે ફ્લોપ ફિલ્મ્સની વણથંભી હારમાળા જોતાં એ ટીચકું યોગ્ય જગ્યાએ જ છે. પણ ભૂતકાળમાં ચાલુ ચીલાથી અલગ ટ્રેન્ડસેટર ફિલ્મ્સ બનાવનાર અને હાલના સમયમાં કામ કરતાં કેટલાય ટેલેન્ટેડ ફિલ્મમેકર્સને ત્યારે કામ આપનાર ધૂની, મનમૌજી રામ ગોપાલ વર્મા વિઝનરી વ્યક્તિ છે એમાં કોઈ બેમત નથી જ. એવી જ જબરજસ્ત એની ઓટોબાયોગ્રાફી ‘ગન્સ એન્ડ થાઈસ’ (કે જે નામની હવે એ બોલ્ડ વેબ સીરીઝ પણ બનાવી રહ્યો છે) દિમાગને તડકા સાથે જ્ઞાનનો ‘મસ્ટ’ સૂપ પીરસી આપે છે. જયભાઈ (જય વસાવડા) દ્વારા પ્રસંશા સાંભળતા વંચાયેલી અને પછી અમુક મિત્રોને પણ વંચાવેલી એ બુક સ્ટ્રેટ ફોરવર્ડ બોલ્ડ, વિઝનરી સત્ય અને ચાબુકની જેમ વાગતા ક્વોટસથી ઠસાઠસ, નકામી ચરબી વગરની છે. સરસ રીતે ગોઠવાયેલા ચેપ્ટર્સમાંથી રામ ગોપાલ વર્માના ‘કામ, એનો અર્થ અને જીંદગીમાં એનું મહત્વ’ વિષેના વિચારોનું અરજન્ટલી મસ્ટ રીડ ચેપ્ટર ઘણાં સમયથી વધુમાં વધુ લોકો વાંચે એટલે ગુજરાતીમાં અનુવાદિત કરીને વહેચવા માંગતો હતો જે મારા અનપ્રીડીક્ટેબલ સ્વભાવ અને નવરાશના કંટાળાના સંયોજનને લીધે આજે કરી શક્યો. રામ ગોપાલ વર્માના શબ્દોમાં હવે વાંચો. 


કામ 

આપણે જન્મીએ છીએ, માં-બાપ દ્વારા આપણી સારસંભાળ રખાય છે, સ્કુલે જઈએ છીએ, ખરેખરું એજ્યુકેશન શું છે એના તસુભાર પણ ખ્યાલ વગર શિક્ષણ મેળવવામાં વર્ષો પસાર કરીએ છીએ. બાદમાં જયારે એ સો કૉલ્ડ શિક્ષણનો ઉપયોગ પ્રેક્ટીકલ સેન્સમાં કરવાની આપણી પાસે અપેક્ષા રાખવામાં આવે છે છેક ત્યારે આપણને શિક્ષણની મહત્તા સમજાય છે. આપણે પોતાની જાતને ખોઈ નાખેલી મહેસુસ કરીએ છીએ. આવું થાય છે કેમ કે આપણામાંથી મોટાભાગનાઓને માં-બાપ ધક્કો મારે છે માર્ક્સ મેળવવા, શિક્ષણ મેળવવા ક્યારેય નહિ.

હવે, માર્ક્સ મેળવવા કરાય છે ગોખણપટ્ટી, ઉતારો અને માત્ર પરીક્ષાલક્ષી વાંચન. અરે! મહેનતુ અને ભણેશ્રી ટાઈપના વિદ્યાર્થીઓ પાસે ય પોતે ભણી રહ્યા છે એ શિક્ષણના સાચા હેતુ વિષે કોઈ ખ્યાલ કે વિચાર હોતો નથી. મને તો એ વાતનું આશ્ચર્ય થાય છે કે હું મોટો થતો હતો એ વર્ષોમાં એક પણ વાર મારા માં-બાપ કે શિક્ષકોએ મને કહ્યું નહિ કે શિક્ષણનો હેતુ નોલેજ મેળવવાનો છે જયારે માર્ક્સ તો માત્ર દુનિયાને બતાડવાનું સબૂત છે જે સાબિત કરે છે કે તમારી પાસે એ નોલેજ છે. માર્ક્સ મેળવવા દબાણ કરાય છે કેમ કે સારા માર્ક્સ એક સારી નોકરી માટે પાસપોર્ટ સમાન ગણાય છે. એકવાર એમણે તમને નોકરીએ લગાડી દીધા પછી પ્રેશર હોય છે મહેનતથી કામ કરવાનું, મહેનત કરીને ભણવાનું પ્રેશર હતું એમ જ સ્તો! મારા સિવિલ એન્જીનીયર દાદા મને હંમેશા ખુબ ભણવાનું કહેતા. પછી જયારે હૈદરાબાદમાં ક્રિશ્ના ઓબેરોય હોટેલમાં મને નોકરી મળી ત્યારે ખુબ કામ કરવાનું કહેતા. એ મને જણાવતાં કે તેઓ પોતાની જિંદગીની દરેક સવારે ચાર વાગ્યે ઉઠ્યા છે. પણ જયારે હું પૂછું કે સવારે દસ વાગ્યે જાગતા અમુક વ્યક્તિઓ કઈ રીતે વધારે સફળ છે ત્યારે એ મારા પર ગુસ્સે થઇ જતાં.

મારે એમને જણાવી દેવું હતું કે એ સફળતા છે જે મહત્વની છે, તમે કેટલા શિસ્તબદ્ધ છો એ નહિ! પણ હું એમનાંથી ડરતો કેમ કે એ ગમે ત્યારે તમાચા ચોળી દે એવા ઘણાં સશક્ત વ્યક્તિ હતા. હું માનું છું કે માત્ર તમને કહેવામાં આવ્યું છે એટલા માટે કે આવતીકાલના ડરને લીધે અથવા તો વાયદાઓ અને જવાબદારીઓને કારણે તમે સતત જે કરતાં હો એ કર્યે જાઓ છો તો તમે જીવતાં રહેવાનો-જીવનનો આખો હેતુ જ ગુમાવી દીધો છે.guns and thighs

જિંદગી બીજું કઈ નહિ પણ એક સાઈકલ છે- આપણે જન્મ્યા, મોટા થયા, લગ્ન કર્યા, બાળકો પેદા કર્યા, એમને મોટા કર્યા, એમના લગ્ન કર્યા, આપણે ઘરડાં થયા અને મરી ગયા. ભગવાને કે કુદરતે, તમારે એને જે નામ આપવું હોય એણે, આપણને જિંદગી એટલી જ નિશ્ચિતતાથી આપી જેટલી નિશ્ચિતતાથી એ એને લઇ લેવાના છે, અને જો એમ જ હોય તો જિંદગી આપણી પાસે છે એ સમયગાળામાં એને શ્રેષ્ઠ રીતે શું કામ ના જીવી લેવી જોઈએ?

મારી નજીકના વ્યક્તિઓ મને કહ્યા કરે છે કે હું અતિશય કામ કરું છું. સત્ય એ છે કે મારી જિંદગીમાં મેં ક્યારેય કામ કર્યું જ નથી. કામની મારી વ્યાખ્યા પ્રમાણે તો જો તમારે કરવું પડતું હોય તો એ કામ છે પણ જો તમારે એ કરવું હોય-તમારાથી એ કર્યા વગર રહેવાય નહિ ત્યાં એ મજા બની જાય છે અને મેં હમેશા મને ઈચ્છા હોય એ જ કર્યું છે.  ધાર્મિક બંધનો અને નૈતિક જવાબદારીઓ નાખીને સમાજ આપણને એ રીતે ઘડે છે-આપણા મનને એ રીતે પ્રોગ્રામ કરે છે કે આપણે પોતાને ગમતું ગમે તે કાર્ય કરતી વખતે એક જાતનું ગીલ્ટ અનુભવવા લાગીએ છીએ.

જ્યાં સુધી મૃત્યુ ટાળી શકાવાનું નથી ત્યાં સુધી કાયમી સફળતાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. લાઈફ પોતે જ એક પ્રોસેસ છે. દાખલા તરીકે મારા કોલેજકાળમાં ચાળીશ રૂપિયા ઉભા કરતી વખતે મને થયેલી મુશ્કેલીઓ અને આજે ફિલ્મ માટે ચાર કરોડ ભેગા કરતી વખતે આવતી અડચણો વચ્ચે જબરજસ્ત સમાનતા છે. બધાને લાગ્યું કે મેં ‘દ્રોહી’માં એક ખરાબ ફિલ્મ બનાવી છે પણ ‘દ્રોહી’ના લીધે જ હું ઉર્મિલાને મળ્યો અને ઉર્મિલાને કારણે જ મેં ‘રંગીલા’ બનાવી. સંજય દત્તની ધરપકડને કારણે જ ‘નાયક’ નામની મારી ફિલ્મ માળીયે ચઢી ગઈ જે વર્ષો પછી ‘સરકાર’ રૂપે ઉભરી આવી. એટલે, પ્રભાવી રીતે, જીંદગીમાં બધું એકબીજા સાથે ક્યાંકને ક્યાંક જોડાયેલું છે. વર્તમાનમાં મળેલી સફળતા ભૂતકાળમાં મળનારી નિષ્ફળતાના બીજ લઈને ય આવી હોય અને એમ જ વાઈસે વર્સા. જો બધું આટલું અનિશ્ચિત જ રહેવાનું હોય તો એની ચિંતા જ શું કામ કરવી અને તમારે જે કરવું હોય એ લાઈફની એકેએક પળમાં શું કામ ના કરવું?

 ‘ગઈકાલ ભૂલી જાઓ, આજે જીવી જાઓ અને આવતીકાલની ફેન્ટેસીમાં ડૂબી જાઓ’ મારો જીવનમંત્ર છે અને હંમેશા રહ્યો છે: એક ધમાલિયા બાળક તરીકે, બેજવાબદાર યુવક તરીકે અને એક અનપ્રીડીક્ટેબલ અને અસામાન્ય એડલ્ટ તરીકે.

મને જયારે મારી પહેલી ફિલ્મ માટે બે લાખ રૂપિયા મળ્યા ત્યારે મારા દાદા ઈચ્છતા હતા કે મારું ભવિષ્ય સિક્યોર કરવા માટે હું જુબિલી હિલ્સમાં થોડી જમીન ખરીદી લઉં. પણ મેં જાણીજોઈને એ રૂપિયા મારી ભાડે લીધેલી ઓફીસના ઇન્ટીરીયર ડેકોરેશનમાં ખર્ચી નાખ્યા, જે ઓફીસ મારે અમુક મહિનાઓમાં ખાલી કરવાની હતી. મારા આવા વલણને લીધે મારા દાદાએ ભવિષ્ય ભાખ્યું કે હું ખૂબ મોટો નિષ્ફળ વ્યક્તિ બનીશ. પોતાની પૂરી જિંદગી દરમિયાન, પોતે શું સિદ્ધ કરવા કામ કરી રહ્યા છે એવા કોઈ સવાલ કર્યા વગર એમણે અતિશય મહેનતથી કામ કર્યા કર્યું. મેં એમને સમજાવવાની તસ્દી લીધી નહિ કે નવી શણગારેલી ઓફીસ દ્વારા મને જે અમુક મહિનાઓની મજા મળશે એ ભવિષ્યની અનિશ્ચિતતા જેટલી જ રોમાંચક છે.

જો તમારી આખી જિંદગી જ સતત તમારી જાતને નિષ્ફળતા અને મૃત્યુથી સુરક્ષિત રાખવા તરફ ઢળી પડી હોય (બંને ટાળી શકાતાં જ નથી) , અને તમે ક્યારેય વર્તમાનને માણવા ઉભા રહેતા ના હો, તો જીવવું જ શા માટે?

~ રામ ગોપાલ વર્મા    

 

Advertisements

4 thoughts on “RGV પૂછે છે તમે જીવો છો શા માટે ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s