feelings · Life

એક પુસ્તકની વાર્તા

એકવાર એક છોકરો હતો. જિજ્ઞાસુ. કુતુહલ પ્રધાન. પહોળી આંખે એ સઘળું જોતો. નવું નવું જાણવાની કોશિશોમાં એ રચ્યોપચ્યો રહેતો પણ એને ધરવ થતો નહિ. એને પોતાનામાં સતત કશું ખૂટતું લાગતું. શું ખૂટે છે એ એને ખબર નહોતી. બસ કશુંક ખૂટતું હતું એટલું એ જાણતો. એટલે એ હંમેશા ‘કશાક’ની શોધમાં પુસ્તકો વાંચતો રહેતો. એને કોઈ એવા પુસ્તકની તલાશ હતી જેમાં એના બધા સવાલોનો જવાબ મળી જાય.

A curious boy

એણે ખૂબ શોધ ચલાવી. પુસ્તકોની દુનિયામાં એ ડૂબી ગયો. અને એ સફરમાં એક પછી એક મજેદાર પુસ્તકોનો એને ભેટો થતો ગયો. એ એને વાંચતો. એને ખૂબ સંતોષ થતો. પણ એ પુસ્તક પૂરું કર્યા બાદ અમુક દિવસ સુધી જ એ સંતોષ જળવાઈ રહેતો. ફરી કઈક ખૂટતું હોવાનો અહેસાસ એને થાય. ફરી બીજું પુસ્તક એ અજાણ્યા એવા ‘કઈક’ કે ‘કશાક’ની શોધમાં એ વાંચે.

એક દિવસ એને અચાનક બત્તી થઇ કે કદાચ એને જે જોઈએ છે એ કોઈ એક પુસ્તકમાં કદી હતું જ નહિ! એ તો ઘણા બધા પુસ્તકોના વાંચન અને મનનથી મેળવેલા જ્ઞાનના માખણમાં ક્યાંક હતું/ છે! કદાચ કોઈ એક પુસ્તકમાં જવાબ છે જ નહિ, પરંતુ એ જુદી જુદી દિશાઓમાં વિખરાયેલો છે. અને એ જવાબ જુદી જુદી બુક્સના વાંચનથી જ મેળવી શકાય. એને ભેગો કરવા માટે શક્ય એટલા અઢળક પુસ્તકો વાંચવા જરૂરી છે. પુસ્તક પૂરું કર્યા પછી પણ કઈક અધૂરું લાગતું હોવાની એની કસક કદાચ ચોક્કસ દિશાઓમાં અઢળક પુસ્તકો વાંચીને એનો સાર ભેગો કરવા જેટલા બુદ્ધિમાન બન્યા બાદ જ પૂરી થશે એમ એને લાગ્યું. એટલે એણે એ દિશામાં મક્કમ મને પ્રયાણ કર્યું.

man

એ વાંચતો ગયો. ખૂબ વાંચતો ગયો. કેટકેટલાય જુદા જુદા વિષયના જ્ઞાનવર્ધક પુસ્તકો એ ખુંદી વળ્યો. વર્ષો વિતતા ગયા. એ વધુને વધુ પુસ્તકોમાં અંદર ખૂંપતો ગયો. ટૂંક સમયમાં જ એની ગણના એના વિસ્તારના સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે થવા માંડી. એની પાસે માહિતીનો ભંડાર હતો. કોઈ પણ વિષય અંગેના પ્રશ્નનો જવાબ એ ચપટી વગાડતા આપી શકતો. લોકો એનો ખૂબ આદર કરતા.

learned man

 

લોકો એને સન્માન આપતા જ. પણ એમને એ ખબર નહોતી કે આટલા આત્મવિશ્વાસુ લાગતા એ જ્ઞાની વ્યક્તિને પણ અંદરોઅંદર એક ચીજ કોરી ખાતી હતી. જે નિર્ધાર સાથે પુસ્તકોની સફર એણે શરુ કરી હતી એ છૂટી ગયો હતો. એ એના લક્ષ્યાંકને પામ્યો નહોતો. લોકોની આંખોમાં આદર અલગ ચીજ હતી પણ આજે પણ જેવું પુસ્તક પૂરું થાય કે અમુક સમય પછી એ વાંચતી વખતે જે અદ્ભુત સંતોષની લાગણી થતી એ એના અંતરમાંથી ચાલી જતી. જેવું પુસ્તક પૂરું થાય કે એના થોડા વખત બાદ એનો આનંદ ય ધીરેધીરે ગાયબ થઇ જતો. લોકોની પ્રસંશાપૂર્વકની હાજરી છતાંય એકલતામાં એ જીવતો હતો. વર્ષો બાદ એને પોતાનું આ પુસ્તકો તરફનું વિરાટ પગલું ય મહદઅંશે ખોટું લાગવા લાગ્યું. જે જવાબ એને એક પુસ્તકમાં નહોતો મળતો એ અઢળક પુસ્તકો વાંચવાથી પણ કઈ રીતે મળે એમ એ ધીરે ધીરે સ્વીકારી શક્યો હતો. કશુંક ખૂટતું હોવાની લાગણી બરકરાર હતી.

old dissapointed man 2

 

છેવટે એકદમ જ એક દિવસ એણે એક પુસ્તક લખવાનું શરુ કર્યું. એને લાગ્યું કે બધા સવાલોનો અંતિમ જવાબ, એને સતાવતી અજાણી અધુરપનો ઈલાજ કદાચ લખતી વેળા જ પ્રગટ થઈ જાય તો? લખવાની પ્રક્રિયા વખતે જ અંતર ઝબકી જાય તો? પોતે જે જ્ઞાનનો સાગર ભેગો કર્યો છે એને ઉલેચતા ઉલેચતા એ છુપાઈ રહેલું મોતી જડી જાય તો? આ વિચાર આવતા જ એણે પોતાનું પુસ્તક લખવાનું શરુ કર્યું. અને કાગળ પર અવનવી માહિતીનો ભંડાર રચાયો. શુષ્ક લાગતી માહિતી ય એ રસપ્રદ બનાવી નાખે. મનમાં ભરાયેલું બધું જ લખવામાં, લોકો સામે મુકવામાં એને જે આનંદ આવ્યો એ અવર્ણનીય હતો. લોકોએ એનું પુસ્તક ખૂબ વખાણ્યું. ચપોચપ બધી નકલો વેંચાઈ ગઈ.

પહેલા ક્યારેય ન પામ્યો હોય એવો પ્રેમ એ પામી રહ્યો હતો. લોકો જાણે સાગર મળી ગયો હોય એમ ખુશ હતા. આ પ્રેમમાં એ ગળાડૂબ હતો.

સમય તો એની ગતિએ વીતતો રહ્યો. સાથે જ એના મનમાં જે ડર છુપાયેલો હતો એ ફરી આંખો સામે આવતો ગયો. વખત જતાં એને ભાન થઈ ચુક્યું હતું કે લોકોને ભલે એના પુસ્તકરૂપે એક સાગર મળ્યો હોય પણ એને હજી પોતાનું મોતી જડ્યું ન હતું. અધુરપ હજી જારી હતી. ખાલીપો હજી છૂટ્યો નહોતો. કઈક ખૂટતું હતું એ નિશ્ચિત હતું. આ આખીય સફરથી એ અજ્ઞાત ચીજ હજી જડી નહોતી. કદાચ એ જડવાની ય નહોતી. આ ખાલીપો જ સત્ય છે એમ એ ધીરે ધીરે માનવા માંડ્યો. એ કઈ જ જાણતો નથી એવું એને થવા લાગ્યું. કદાચ એક જુદી જ યાત્રાની શરૂઆત એ કરી રહ્યો હતો.

તો આ તરફ, એ જ સમયે શહેરના બુક્સ્ટોરમાં એનું એ જ પુસ્તક બીજા એક નવા જિજ્ઞાસુ છોકરાના હાથમાં હતું. વિસ્મય ભરી આંખે એ એને તાકી રહ્યો હતો. એને પણ ‘કશાક’ની શોધ હતી. એને ય જાણવું હતું સઘળું. કદાચ આ પુસ્તકથી એને પોતાનો જવાબ મળી જાય!

neew boy

 

~દિવ્યાંશ પરમાર

 

PICS MADE USING: avachara.com

2 thoughts on “એક પુસ્તકની વાર્તા

  1. it’s interesting…
    divyansh… આવનારા સમયમાં તમે એક સારા લેખક હશો. શબ્દ ભંડોળ છે, સંવેદનશીલતા છે.. અને વાંચકને જકળી રાખે છે તમારું લખાણ..

    Liked by 2 people

Leave a comment