nation · Uncategorized

ખોખલી દેશભક્તિ…ફેક બુદ્ધિજીવીઓ..

નક્કામાં મુદ્દાઓ, આરોપ-પ્રત્યારોપનો કદી ના પૂરો થતો દૌર, સમયનો બગાડ.

દર અઠવાડિયે, દર પંદર દિવસે ભારતમાં આ થાય છે. જેની ચર્ચા કરવાથી દેશને લગીરેય ફાયદો થવાનો નથી એવા વાહિયાત-ધ્યાન જ ના આપવું જોઈએ એવા મુદ્દાઓને રાજકારણીઓ અને મીડિયા લોકોની ટૂંકી બુદ્ધિ અને પૂર્વગ્રહોને ધ્યાનમાં રાખીને પોષે છે. પોતાનો વોટબેંકનો-ટીઆરપીનો અંગત ફાયદો ઉઠાવી લે છે. નવા નવા યુઝલેસ મુદ્દાઓ આવતા જ જાય છે, બનાવાતા જ જાય છે. ટ્વીટર, ફેસબુક, ન્યુઝ ચેનલ્સ પર ડફોળોની જમાત લડ્યા કરે છે. બધા નશામાં ધૂત છે. પહેલી નજરે સારું લાગે કે આટલા બધા લોકો રાજકારણમાં-દેશમાં રસ લે છે. પણ પછી સમજાય કે સ્પીડ તો છે પણ દિશા જ અવળી છે આ બધાની! કોણ કોને પોતાના ફાયદા માટે યુઝ કરે છે અને કોણ યુઝ થઇ રહ્યું છે….સમજો.

કોઈને લડી ઝઘડીને પોતાની દેશભક્તિ સાબિત કરી દેવી છે તો કોઈને ફલાણો-ઢીકણો તો ભક્ત છે એમ લેબલ્સ ચિપકાવતા ફરવું છે. અરે હશે ભક્ત એ વ્યક્તિ. ગમે તે ભગવાનનો કે એણે ભગવાન માની લીધેલા કોઈ વ્યક્તિનો. પણ એથી શું? એની ચર્ચા કરવાથી દેશને કે તમને ખુદને કાંઈ ફાયદો થવાનો છે? ‘ફલાણો અસહિષ્ણુ છે’, ‘ઢીકણો બોલ્યો કે ભારત અસહિષ્ણુ છે, એનો તિરસ્કાર કરો!’. ‘ફલાણા લોકો રાષ્ટ્ર ગાન વખતે ઉભા ના થયા’, ‘ફલાણા પાકિસ્તાન ઝિંદાબાદ કહે છે, તૂટી પડો એમના પર!’

અરે હશે! એ લોકોમાં એટલી ડિસન્સી નથી કે સમજે. તમારી વાત સાચી હશે. કાયદા મુજબ એમણે ગુનો કર્યો હશે તો ન્યાય પ્રક્રિયા દ્વારા એમને સજા મળશે પણ એમાં તમને આટલો બધો ઉત્સાહ શાનો છે? પોતાના વિચારો એમણે તમારા પર થોપ્યા તો નથી! તો વ્હાય કાન્ટ યુ માઈન્ડ યોર ઓન બિઝનેસ? તમને એ તરફ ધ્યાન આપવાનું કોણે આમંત્રણ આપ્યું’તું? કાન્ટ યુ રીઅલાઇઝ ધેટ યુ આર બિઇંગ યુઝ્ડ?

પણ પોતાનો બિઝનેસ માઈન્ડ ક્યાંથી કરે! એના માટે કાંઇ કામ તો હોવું જોઈએ ને પોતાનું! આ તો જન્મજાત નવરીબજારો બેઠીબેઠી કરે ય શું! જ્યાં ધ્યાન આપવાનું છે ત્યાં ‘મારે શું!’નો એટીટ્યુડ છે અને જ્યાં ધ્યાન આપવું જ નાં જોઈએ એવા યુઝલેસ બકવાસ મુદ્દાઓ પર પૂર્વગ્રહોને કારણે લળી લળીને બકવાસ કર્યા કરવો છે! દેશભક્તિના મોટા મોટા નારા લગાવવાથી કે બીજાની લીટીઓ નાની કરવાથી દેશભક્ત નથી થવાતું. પોતાની જાતને અને છેવટે દેશને કોઈને કોઈ રીતે કામમાં આવે એવું કાંઈક કામ કરવાથી દેશને મદદરૂપ થવાય છે. કશું નવીન, ક્રિએટિવ કામ કરો, જૂની જડ વિચારધારાઓ ત્યાગો, દિમાગના બંધ દરવાજા ખોલે એવું કશું વાંચો-જુઓ, જે દેશ માટે ગર્વ લીધા કરો છો એનો ઇતિહાસ જાણવાનો શ્રમ કરો, કશું બનાવો, કોઈક સાર્થક મુદ્દાને પકડી એના ઉપર ચર્ચા કરો. આ બધા વાહિયાત મુદ્દાઓને નક્કામું માઇલેજ આપવાથી કેટલા બધા કામના, મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાની રહી જાય છે! શિક્ષણપદ્ધતિમાં સુધારાથી લઈને વીજળી, સાયન્સથી લઈને સ્વચ્છતા, ભાંગેલા રોડ્સથી લઈને સ્ત્રીના તૂટેલા સન્માન સુધી.

ફિલ્મોમાં આડેધડ સેન્સરશિપ પર જોરદાર કટાક્ષ થયા, પહેલાજનો વિરોધ થયો તો સરકારને ફરજ પડી શ્યામ બેનેગલ જેવા સમજુ કાબેલ વ્યક્તિને આ પરિસ્થિતિમાં સુધારો કરવા બોલાવવાની. હવે સેન્સર બોર્ડની કાર્યપધ્ધતિમાં નક્કર સુધારો કાંઇ થશે કે નહિ એ પછીની વાત છે પણ મૂળ મુદ્દો એ છે કે ભારતની પ્રજાએ એણે ચૂંટેલી સરકારનેે એમણે કરેલાં ખોટા નિર્ણય પર ફેરવિચારણાં કરવાની ફરજ પાડી. ક્યારેક તો સરકારને પ્રજાએ યુઝ કરી! આવી જ જાગૃતિ બીજા મહત્વના મુદ્દાઓ પર લાવવાની આપણી ફરજ છે એક લોકશાહી દેશના નાગરિક તરીકે. સમાજના બહોળા વર્ગને આ સમજતા જેટલી વાર થશે એટલું નુકસાન આપણે જ વેઠવું પડશે.

Leave a comment